Viyahapannatti 572
Viyāhapannatti: ṭīkānusārī vivecana 572
- Language
- Gujarati
572
વિવેચન :–૩૯૨
ગતિ આદિ દ્વાર ગાથા – ગતિ, ઈન્દ્રિય, કાય, સૂક્ષ્મ, પર્યાપ્તા, ભવસ્થ, ભવસિદ્ધિક, સંજ્ઞી, લબ્ધિ, ઉપયોગ, યોગ, લેશ્યા, કષાય, વેદ, આહાર, જ્ઞાનવિષય, કાળ, અંતર, અલ્પબહુત્વ, પર્યાય-આ દ્વારો છે.
તેમાં જેનું નરકે ગમન છે, તે નિરયગતિક. તે સમ્યગ્ કે મિથ્યા દૃષ્ટિ હોય, જ્ઞાની કે અજ્ઞાની હોય, પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્યમાંથી નરકમાં ઉત્પન્ન થતા અંતર્ગતિમાં વર્તવાને નિરયગતિક કહ્યા છે. - X - ભવ પ્રયયત્વ અવધિ અંતર્ગતિમાં પણ હોય તેથી ત્રણ જ્ઞાન નિયમા કહ્યું છે ત્રણ અજ્ઞાનની ભજના - કેમકે અસંજ્ઞીને નરકે જતાં અપર્યાપકત્વમાં બે અજ્ઞાન છે, વિભંગનો અભાવ છે. મિથ્યાદૃષ્ટિ સંજ્ઞીને ત્રણે હોય છે. જેને તિર્છુગમન છે, તે તિર્યંગ્ગતિક. સમ્યગ્દૃષ્ટિને પણ અવધિજ્ઞાન પતિતતાથી બે જ જ્ઞાન છે. મિથ્યાદૃષ્ટિને તેમજ બે અજ્ઞાન છે.
મનુષ્યગતિમાં જતાં કેટલાંક અવધિજ્ઞાન સહિત જાય છે. જેમકે તીર્થંકર, કેટલાંક તેને છોડીને જાય છે, માટે ત્રણ કે બે જ્ઞાન કહ્યા. જે અજ્ઞાની છે, મનુષ્યગતિમાં ઉત્પન્ન થઈ રહ્યો છે, તેને વિભંગજ્ઞાન પતિત થયા પછી ઉત્પત્તિ છે, માટે બે અજ્ઞાન નિયમા છે.
દેવગતિમાં જે જ્ઞાની જઈ રહેલ છે, તેને ભવપ્રત્યય અવધિ છે, તે દેવાયુના પ્રથમ સમયે જ ઉપજે, તેથી તેને નારકો જેવા કહ્યા. જે અજ્ઞાની છે, તે અસંજ્ઞીમાંથી ઉપજે, માટે બે અજ્ઞાન કહ્યા. અપર્યાપ્તકત્વમાં વિભંગનો અભાવ છે, તેથી સંજ્ઞીમાંથી ઉત્પન્ન થતા અજ્ઞાનીને ભવ પ્રત્યય વિભંગ છે, માટે તેમને નારકો જેવા કહ્યા.
જેમ સિદ્ધો કેવળજ્ઞાની છે, તેમ સિદ્ધિગતિકો પણ કહેવા. જો કે સિદ્ધોને અને સિદ્ધિગતિકને અંતરગતિ અભાવથી વિશેષતા નથી. તો પણ ગતિબળથી આમ દર્શાવ્યુ. બીજા દ્વારોમાં પણ તેમજ જાણવું - X -
ઈન્દ્રિયદ્વાર-ઈન્દ્રિય ઉપયોગવાળા જ્ઞાની કે અજ્ઞાની પણ છે. તેમાં જ્ઞાનીને ચાર જ્ઞાન વિકલ્પે છે. ત્રણ કે ચાર હોય, કેવલજ્ઞાન ન હોય. - X - જ્ઞાનના બે વગેરે ભાવ લબ્ધિ અપેક્ષાએ છે, ઉપયોગ અપેક્ષાએ તો બધાંને એક સમયે એક જ જ્ઞાન હોય. અજ્ઞાનીને ત્રણ અજ્ઞાન વિકલ્પે - બે કે ત્રણ હોય.
એકેન્દ્રિયો મિથ્યાદૃષ્ટિત્વથી અજ્ઞાની-બે અજ્ઞાન જ છે. બેઈન્દ્રિયને બે જ્ઞાન છે - સાસ્વાદનથી તેઓ ઉત્પન્ન થાય તેમ માનીને. તેઓને છ આવલિકા સુધી બે જ્ઞાન પ્રાપ્ત થાય છે - X -
કાયદ્વાર-ઔદારિકાદિ શરીરથી પૃથ્વી આદિ છ માંથી કોઈ પણ એક કાયવાળા તે સકાયિક. તે કેવલી પણ હોય. સકાયિકને જો સમ્યગ્ દૃષ્ટિ હોય તો પાંચ જ્ઞાનો, મિથ્યાદૃષ્ટિને ત્રણ અજ્ઞાન વિકલ્પે.
સૂક્ષ્મદ્વાર-સૂક્ષ્મો મિથ્યાદૃષ્ટિ હોવાથી પૃથ્વીકાયિક માફક બે અજ્ઞાન છે બાદર, કેવલી પણ હોય, તેથી સકાયિકવત્ ભજનાથી પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન કહેવા. પર્યાપ્તકના ૨૪ દંડકમાં પર્યાપ્ત નારકીમાં ત્રણ અજ્ઞાન નિયમા, અપર્યાપ્તા અસંજ્ઞીને વિભંગાભાવ છે. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા પર્યાપ્તાને બે અજ્ઞાન જ હોય. પર્યાપ્તા પંચેન્દ્રિય તિર્યંચને અવધિ કે વિભંગ વિકલ્પે છે. તેથી ભજના કહ્યું. બેઈન્દ્રિયોને સાસ્વાદન સમ્યક્ત્વ સદ્ભાવે બે જ્ઞાન, અભાવે બે અજ્ઞાન. મિથ્યાદૃષ્ટિને તો બે અજ્ઞાન જ હોય. અપર્યાપ્તા મનુષ્યોને સમ્યગ્દૃષ્ટિ હોય તો, ત્રણ જ્ઞાન જ હોય, તેના અભાવે બે જ્ઞાન. મિથ્યાદૃષ્ટિને બે અજ્ઞાન હોય, કેમકે વિભંગનો અપર્યાપ્તકત્વમાં અભાવ છે
વ્યંતરોને અપર્યાપ્તક નારકોની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન કહેવા. તેઓમાં પણ અસંજ્ઞીમાંથી ઉત્પત્તિ હોવાથી અપર્યાપ્તાને વિભંગ જ્ઞાનનો અભાવ હોય છે, બાકીનાને અવધિ કે વિભંગ અભાવ છે.
જ્યોતિષ્કમાં સંજ્ઞી જ ઉત્પન્ન થાય, તેઓને અપર્યાપ્તામાં પણ ભવપ્રત્યય અવધિ કે વિભંગ અવશ્ય સંભવે છે, તેથી ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન વિકલ્પે છે-ભવસ્થદ્વાર-નિરયભવમાં રહેલા તે નિરયભવસ્થ-ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત થયેલ. તેઓને નિરયગતિકની જેમ ત્રણ જ્ઞાન, બે કે ત્રણ અજ્ઞાન જાણવા. - ભવસિદ્ધિક દ્વારે - તેમાં કેવલી પણ હોય, તેથી તેઓ સકાયિકવત્ પાંચ જ્ઞાન ભજનાએ તથા જ્યાં સુધી સમ્યક્ત્વને પામે, ત્યાં સુધી ત્રણ અજ્ઞાન ભજનાએ કહેવા. -અભવસિદ્ધિકને ત્રણ અજ્ઞાન ભજનાએ, કેમકે તેઓ નિત્ય મિથ્યાદૃષ્ટિ છે. -સંજ્ઞીદ્વાર - ચાર જ્ઞાન, ત્રણ અજ્ઞાન ભજનાએ. અસંજ્ઞીને. અપર્યાપ્તકાવસ્થામાં બેઈન્દ્રિયવત્ બે જ્ઞાન, પર્યાપ્તાવસ્થામાં બે અજ્ઞાન હોય છે. - - લબ્ધિદ્વારે લબ્ધિના ભેદોને દર્શાવે છે - -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit