Pramāṇa · Search · About · API

Viyahapannatti 635

Viyāhapannatti: ṭīkānusārī vivecana 635

Language
Gujarati

635

‘ભગવતી’ સૂત્ર-૪૩૧ :– [૮/૧૦/૪૩૧]
ભગવન્‌! આરાધના કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે છે. તે આ – જ્ઞાનારાધના, દર્શનારાધના, ચારિત્રારાધના.
ભગવન્‌! જ્ઞાનારાધના કેટલા ભેદે છે? ગૌતમ! ત્રણ ભેદે. તે આ – ઉત્કૃષ્ટા, મધ્યમા, જઘન્યા. –
ભગવન્‌! દર્શનારાધના? એ રીતે ત્રણ ભેદ જ છે. ચારિત્રારાધના પણ એ પ્રમાણે જ છે.
ભગવન્‌! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના, તેને ઉત્કૃષ્ટા દર્શનારાધના અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે? ગૌતમ! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે, તેને દર્શનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે અને જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને જ્ઞાનારાધના ઉત્કૃષ્ટા કે મધ્યમા છે.
ભગવન્‌! જેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના તેને ઉત્કૃષ્ટા ચારિત્રારાધના. જેને ઉત્કૃષ્ટા ચારિત્રારાધના તેને ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના છે? જેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને દર્શનારાધના કહી, તેમ ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના અને ચારિત્રારાધના કહેવી.
ભગવન્‌! જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ઉત્કૃષ્ટા ચારિત્રારાધના, જેને ઉત્કૃષ્ટા ચારિત્રારાધના તેને ઉત્કૃષ્ટા દર્શનારાધના છે? ગૌતમ! જેને ઉત્કૃષ્ટા દર્શનારાધના, તેને ચારિત્રારાધના ઉત્કૃષ્ટા, મધ્યમા કે જઘન્યા હોય. જેને ઉત્કૃષ્ટા ચારિત્રારાધના તેને દર્શનારાધના નિયમા ઉત્કૃષ્ટા હોય.
ભગવન્‌! ઉત્કૃષ્ટા જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ દુઃખનો અંત કરે? ગૌતમ! કેટલાંક તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે, કેટલાંક બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે. કેટલાંક કલ્પોપપન્ન કે કલ્પાતીતમાં જાય.
ભગવન્‌! ઉત્કૃષ્ટા દર્શનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી? પૂર્વવત્‌.
ભગવન્‌! ઉત્કૃષ્ટા ચારિત્રારાધના આરાધીને? પૂર્વવત્‌. વિશેષ એ કે કેટલાંક કલ્પાતીતમાં ઉપજે છે.
ભગવન્‌! મધ્યમા જ્ઞાન આરાધના આરાધીને કેટલા ભવગ્રહણ થકી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે? ગૌતમ! કેટલાંક બે ભવ ગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે. ફરી ત્રીજો ભવ અતિક્રમતા નથી.
ભગવન્‌! મધ્યમા દર્શનારાધના આરાધીને? પૂર્વવત્‌. એ પ્રમાણે મધ્યમા ચારિત્રારાધનામાં પણ જાણવું.
ભગવન્‌! જઘન્યા જ્ઞાનારાધના આરાધીને કેટલા ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે? ગૌતમ! કેટલાંક ત્રણ ભવગ્રહણ થકી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે. પણ સાત-આઠ ભવગ્રહણને અતિક્રમતા નથી. એ પ્રમાણે દર્શનારાધના, ચારિત્રારાધના જાણવી.

Linked texts (1)