Pramāṇa · Search · About · API

Dasaveyaliya 240

Dasaveyāliya: ṭīkānusārī vivecana 240

Language
Gujarati

240

વિવેચન–૩૩
જીવાભિગમ કહ્યો. હવે ચારિત્રધર્મ કહે છે – બધાં પ્રાણી સુખને વાંછે છે. આ હેતુથી આ છ જીવનિકાયોને જાતે-પોતે ન દંડે અર્થાત્‌ સંઘટ્ટન, પરિતાપના આદિ રૂપમાં ન પ્રવર્તે. બીજા ચાકર આદિ પાસે તેવો દંડ ન અપાવે. તેવા દંડ આપનાર બીજા પ્રાણીની અનુમોદના ન કરે. આ (પ્રમાણે દુઃખ ન આપવું) તે ભગવદ્‌ વચન છે. એમ હોવાથી જીવન-પર્યન્ત તેનો ત્યાગ કરે. એ પ્રમાણે કહેલા વચનને સમ્યક્‌ પણે સ્વીકારીને, જાવજ્જીવને માટે ત્યાગ કરે. કઈ રીતે? કરવું આદિ રૂપ ત્રણ પ્રકારે અને ત્રણ ભેદે કરણથી, તે આ રીતે – મનથી, વચનથી, કાયાથી. આનું સ્વરૂપ પ્રસિદ્ધ જ છે. આ કરણનું કર્મ ઉક્તલક્ષણ ‘દંડ’ છે. તે વસ્તુતઃ નિરાકાર્યતાથી સૂત્રમાં જ કહેલ છે – હું સ્વયં કરું નહીં, બીજા પાસે કરાવું નહીં, બીજા કરનારને અનુમોદું નહીં.
તેનું - ઉક્ત દંડ અર્થાત્‌ હિંસાનો સંબંધ છે. ત્રિકાળ વિષયક દંડ, તેના સંબંધી અતીત અવયવને હું પ્રતિક્રમું છું. વર્તમાન કે ભાવિ સંબંધી નહીં. કેમકે અતીતનું જ પ્રતિક્રમણ થાય. વર્તમાનનું સંવરણ અને ભાવિનું પ્રત્યાખ્યાન કરું છું. ભદંત - એ ગુરુને આમંત્રણ છે. ભદંત એટલે ભવનો કે ભયનો અંત કરનાર થાય છે અને આ ગુરુની સાક્ષીથી જ સાધુને વ્રતનો સ્વીકાર છે તે જણાવે છે. પ્રતિક્રમાતિ - હું જીવોને દંડ દેવાથી નિવર્તુ છું એમ કહ્યું. તેથી ‘પાપની અનુમતિથી વિરમણ’ એવો અર્થ થાય. નિંદા - આત્મસાક્ષીથી, ગર્હા - જુગુપ્સા. અતીત - ભૂતકાળમાં દંડ કરનારને અશ્લાઘ્ય જાણીને વિવિધ કે વિશેષ અર્થવાળા વિ શબ્દ, ઉત્‌ શબ્દ - અતિશ્ય અર્થમાં છે, સૃજામિ એટલે છોડું છું. તેથી હું વિવિધ કે વિશેષ પ્રકારે અતિશય - સર્વથા પાપોનો ત્યાગ કરું છું.
(શંકા) આ રીતે પૂર્વના પાપોના દંડનું પ્રતિક્રમણ માત્ર આ સૂત્રમાં બતાવ્યું. વર્તમાન પાપોનું સંવરણ અને ભાવિનું પ્રત્યાખ્યાન કેમ ન બતાવ્યું? (સમાધાન) ના, તેમ નથી. ન કરોમિ ઈત્યાદિ વડે તદુભય સિદ્ધ છે.

Linked texts (1)