Pramāṇa · Search · About · API

Viyahapannatti 12.2.534

Viyāhapannatti: Gujarati translation (Dīparatnasāgara, 2020) 12.2.534

Language
Gujarati

12.2.534

સૂત્ર– ૫૩૪. તે કાળે, તે સમયે કૌશાંબી નગરી હતી, ચંદ્રાવતરણ ચૈત્ય હતું, તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાનો પૌત્ર, શતાનીક રાજાનો પુત્ર, ચેટક રાજાનો દોહિત્ર, મૃગાવતી દેવીનો પુત્ર, જયંતિ શ્રાવિકાનો ભત્રીજો એવો ઉદાયન રાજા હતો.
તે કૌશાંબી નગરીમાં સહસ્રાનીક રાજાની પુત્રવધૂ શતાનીક રાજાની પત્ની, ચેટક રાજાની પુત્રી, ઉદાયન રાજાની માતા, જયંતિ શ્રાવિકાની ભોજાઈ મૃગાવતી નામે રાણી હતી. તેણી સુકુમાલ યાવત્‌ સુરૂપા શ્રાવિકા હતી યાવત્‌ વિચરતી હતી.
તે કૌશાંબીમાં સહસ્રાનીક રાજાની પુત્રી, શતાનીક રાજાની બહેન, ઉદાયન રાજની ફોઈ, મૃગાવતી રાણીની નણંદ, વૈશાલિક શ્રાવક, અરહંતની પૂર્વ શય્યાતરી જયંતિ નામે શ્રાવિકા હતી. તેણી સુકુમાલ યાવત્‌ સુરૂપા, જીવાજીવની જ્ઞાતા યાવત્‌ હતી.
સૂત્ર– ૫૩૫. તે કાળે, તે સમયે સ્વામી સમોસર્યા યાવત્‌ પર્ષદા પર્યુપાસે છે. ત્યારે તે ઉદાયન રાજા આ વૃત્તાંત પ્રાપ્ત થતા હર્ષિત, તુષ્ટ થઈને કૌટુંબિક પુરુષોને બોલાવે છે, બોલાવીને આમ કહ્યું – હે દેવાનુપ્રિયો ! જલદીથી કૌશાંબી નગરીને અંદર – બહારથી, એ રીતે જેમ કૂણિકમાં કહ્યું તેમ બધું કહેવું યાવત્‌ પર્યુપાસે છે.
ત્યારે જયંતિ શ્રાવિકા આ વૃત્તાંત જાણીને હર્ષિત – સંતુષ્ટ થઈને મૃગાવતી દેવી પાસે આવે છે, આવીને મૃગાવતી દેવીને આમ કહ્યું – જેમ શતક – ૯ – માં ઋષભદત્તના વર્ણનમાં કહ્યા મુજબ યાવત્‌ કલ્યાણકારી થશે.
ત્યારે તે મૃગાવતી દેવીએ જયંતિ શ્રાવિકાના વચનને એ જ રીતે સ્વીકાર્યા, જે રીતે દેવાનંદાએ સ્વીકારેલા. ત્યારે તે મૃગાવતી દેવીએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા, બોલાવીને કહ્યું – ઓ દેવાનુપ્રિયો ! જલદી જેમાં વેગવાન ઘોડા જોડેલ હોય તેવો યાવત્‌ ધાર્મિક યાન પ્રવર જોડીને ઉપસ્થિત કરો. યાવત્‌ તેઓ ઉપસ્થિત કરે છે, યાવત્‌ તે પુરુષોએ આજ્ઞા પાછી સોંપી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, સ્નાન કરીને, બલિકર્મ કરીને યાવત્‌ શરીરે અલંકૃત થઈને, ઘણી કુબ્જા દાસી સાથે યાવત્‌ અંતઃપુરથી નીકળે છે, નીકળીને બાહ્ય ઉપસ્થાનશાળામાં ધાર્મિક શ્રેષ્ઠ યાન પાસે આવીને યાવત્‌ તેમાં બેઠી. ત્યારે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પોતાના પરિવાર સાથે નીકળે છે, યાવત જેમ ‘ઋષભદત્ત’માં કહ્યું તેમ યાવત્‌ ધાર્મિક યાનથી નીચે ઊતરી.
ત્યારે તે મૃગાવતી દેવી, જયંતિ શ્રાવિકા સાથે, ઘણી કુબ્જા દાસી સાથે જેમ ‘દેવાનંદા’માં કહ્યું તેમ યાવત્‌ વાંદી, નમીને ઉદાયન રાજાને આગળ કરીને ત્યાં રહી અને યાવત્‌ ભગવંતને પર્યુપાસે છે.
ત્યારે ભગવંત મહાવીર, રાજા ઉદાયન, રાણી મૃગાવતી, જયંતિ શ્રાવિકા અને તે મોટી પર્ષદાને યાવત્‌ ધર્મ કહે છે, પર્ષદા પાછી ફરી, ઉદાયન પાછો ફર્યો, મૃગાવતી દેવી પણ પાછી ફરી.
સૂત્ર– ૫૩૬. ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીરની પાસે ધર્મ સાંભળી, અવધારી, હર્ષિત – સંતુષ્ટ થઈને ભગવંતને વાંદી – નમીને આમ કહે છે –
ભગવન્‌ ! જીવો કયા કારણે જલદી ગુરુત્વને(ભારેપણાને) પામે? હે જયંતિ ! પ્રાણાતિપાતથી યાવત્‌ મિથ્યા દર્શન શલ્યથી, એ રીતે જીવો ગુરુત્વને જલદી પામે, પ્રથમ શતક મુજબ યાવત્‌ કર્મસ્થિતિ વધારે છે અને સંસારમાં વારંવાર પરિભ્રમણ કરે છે અને પ્રાણાતિપાત આદિના ત્યાગથી કર્મસ્થિતિ ઘટાડે છે અને સંસારનો પાર પામે છે.
ભગવન્‌ ! જીવોનું ભવસિદ્ધિકત્વ સ્વાભાવિક કે પારિણામિક ? હે જયંતિ! સ્વાભાવિક છે, પારિણામિક નથી.
ભગવન્‌ ! ભવસિદ્ધિક બધા જીવો શું સિદ્ધ થશે ? હા, જયંતિ ! થશે.
ભગવન્‌ ! જ્યારે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે, ત્યારે શું લોક ભવસિદ્ધિક રહિત થઈ જશે ? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! કયા કારણથી એમ કહો છો કે બધા ભવસિદ્ધિક જીવો સિદ્ધ થશે ત્યારે ભવસિદ્ધિક રહિત લોક થશે નહીં ? હે જયંતિ ! જે રીતે કોઈ સર્વાકાશ શ્રેણી હોય, જે અનાદિ, અનંત, પરિત્ત, પરિવૃત્ત હોય, તેમાંથી સમયે સમયે એક – એક પરમાણુ પુદ્‌ગલ ખંડ કાઢતા – કાઢતા અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી સુધી કાઢવામાં આવે તો પણ તે શ્રેણી ખાલી થતી નથી, તે પ્રમાણે હે જયંતિ ! બધા ભવ્યો સિદ્ધ થશે, લોક ભવિજીવ રહિત થશે, ઇત્યાદિ.
ભગવન્‌ ! જીવો સૂતા સારા કે જાગતા સારા ? હે જયંતિ! કેટલાક જીવો સૂતા સારા, કેટલાક જીવો જાગતા સારા. ભગવન્‌ ! એમ કેમ કહો છો ?
હે જયંતિ! જે આ જીવો અધાર્મિક, અધર્માનુગ, અધર્મિષ્ઠ, અધર્મકથી, અધર્મપ્રલોકી, અધર્મમાં આસક્ત, અધર્મ સમુદાચાર, અધર્મ વડે જ વૃત્તિને કરતા વિચરે છે, એવા જીવોનું સૂતા રહેવું સારુ છે, આવા જીવો સૂતા રહીને, ઘણા પ્રાણ – ભૂત – જીવ – સત્વોને દુઃખ, શોક યાવત્‌ પરિતાપ દેવામાં પ્રવૃત્ત થતા નથી. આવા જીવો સૂતા રહીને પોતાને, પરને, તદુભયને ઘણા અધાર્મિક સંયોગોમાં ફસાવતા નથી, આવા જીવોનું સૂતા રહેવું સારું.
હે જયંતિ ! જે આ જીવો ધાર્મિક, ધર્માનુગ યાવત્‌ ધર્મ વડે વૃત્તિ કરતા વિચરે છે, આ જીવોનું જાગવુ સારું. આવા જીવો જાગતા રહીને ઘણા પ્રાણો યાવત્‌ સત્ત્વોને દુઃખ ન આપીને યાવત્‌ પરિતાપ ન આપીને વર્તે છે તે જીવો જાગતા રહીને પોતાને, બીજાને, તદુભયને ઘણા ધાર્મિક સંજોગોમાં જોડનાર થાય છે. આવા જીવો જાગતા રહીને ધર્મ જાગરિકાથી પોતાને જાગૃત રાખનારા થાય છે. આવા જીવો જાગતા સારા, માટે હે જયંતિ! એવું કહેલ કે કેટલાક જીવો ઉંઘતા સારા અને, કેટલાક જીવો જાગતા સારા.
ભગવન્‌ ! જીવોમાં સબલત્વ સારું કે દુર્બલત્વ સારું ? હે જયંતિ ! કેટલાક જીવોનું સબલત્વ સારું, કેટલાક જીવોનું દુર્બલત્વ સારું. ભગવન્‌ ! એમ કેમ કહો છો ? જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્‌ વિચરે છે, એ જીવોનું દુર્બલત્વ સારું, અહીં સૂતેલા જીવોની માફક દુર્બલત્વ વક્તવ્યતા કહેવી. સબલત્વને જાગતા જીવોની જેમ કહેવા યાવત્‌ ધાર્મિક સંજોગમાં જોડનારા થાય છે. આવા જીવોનું બલવાનપણુ સારું. તેથી હે જયંતિ! એમ કહ્યું.
ભગવન્‌ ! જીવોમાં દક્ષત્વ(ઉદ્યમીપણું) સારું કે આળસીત્વ સારું ? જયંતિ ! કેટલાક જીવોનું દક્ષત્વ સારું, કેટલાક જીવોનું આળસીત્વ સારું. ભગવન્‌ ! એમ કેમ કહો છો? હે જયંતિ ! જે આ અધાર્મિક જીવો યાવત્‌ વિચરે છે, આ જીવોનું આળસુપણુ સારું, આ જીવો આળસી થઈને, ઘણા જીવોને જેમ સૂતા જીવોમાં કહ્યું તેમ જાણવું, જાગતા જીવો માફક દક્ષ જીવોને કહેવા. યાવત્‌ ધાર્મિક સંયોગ કરનારા થાય. આ જીવો દક્ષત્વથી ઘણા આચાર્યની વૈયાવચ્ચાદિ યાવત્‌ ઉપાધ્યાય – સ્થવિર – તપસ્વી – ગ્લાન – શૈક્ષ – કુલ – ગણ – સંઘ – સાધર્મિકોની વૈયાવચ્ચ વડે આત્માને જોડનારા થાય છે. આવા જીવોનું દક્ષત્વ સારું, તેથી એ પ્રમાણે કહેવામાં આવેલ છે.
ભગવન્‌ ! શ્રોત્રેન્દ્રિયને વશ જીવો શું બાંધે ? જેમ ક્રોધને વશમાં કહ્યું તેમ યાવત્‌ સંસારમાં ભ્રમણ કરે છે. એ પ્રમાણે ચક્ષુરિન્દ્રિયવશાર્ત્ત, એ પ્રમાણે યાવત્‌ સ્પર્શનેન્દ્રિય વશાર્ત્ત જીવો ભ્રમણ કરે છે.
ત્યારે તે જયંતિ શ્રાવિકા શ્રમણ ભગવંત મહાવીર પાસે આ અર્થને સાંભળી, અવધારી, હર્ષિત – તુષ્ટિત થઈ, બાકી દેવાનંદામાં જેમ કહ્યું તેમ જયંતિ શ્રાવિકા પ્રવ્રજિત થઈ યાવત્‌ સર્વ દુઃખથી મુક્ત થઈ. ભગવન્‌ ! તે એમ જ છે.
સૂત્ર સંદર્ભ– ૫૩૪–૫૩૬

Translations (2)

Commentaries (1)

Linked texts (1)