Deviṃdatthaa: ṭīkānusārī vivecana
Commentary on Devimdatthaa (Deviṃdatthaa)
- Language
- Gujarati
- Date
- 2000–2012 CE
- Author
- Muni Dīparatnasāgara
- Extent
- 72 passages, 5,004 words
- Text
- complete digital text
- Source
- jainelibrary-agam · Āgamasūtra ṭīkānusārī vivecana, by Muni Dīparatnasāgara (Jain eLibrary nos. 038745); text from the eLibrary's… · Shown with the permission of Muni Dīparatnasāgara and the Jain eLibrary (granted 2026-10-18), text unaltered;…
Contents
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
Text
1
ભૂમિકા :– આ ભાગમાં કુલ-૧૫ આગમોનો સમાવેશ કરાયેલ છે. જેનો સંક્ષેપમાં ઉલ્લેખ કરીએ તો ‘નિરયાવલિકા-પંચક’ અને ‘દશ પયન્ના’ કહેવાય. ઉપાંગસૂત્રોમાં ઉપાંગ ૮ થી ૧૨ માં પાંચ ઉપાંગસૂત્રો આવે છે – નિરયાવલિકા, કલ્પવતંસિકા, પુષ્પિતા, પુષ્પચૂલિકા, વૃષ્ણિદશા. આ પાંચેનો નિરયાવલિકા-પંચકરૂપે ઉલ્લેખ પ્રાપ્ત છે. તેની વિશેષ પ્રસ્તાવના અમારા પૂર્વના આગમ-પ્રકાશનોથી જાણવી.
દશ પયન્નામાં પણ નામોની પસંદગીમાં ભેદ છે. અમોએ અહીં સ્વીકારેલ પયન્ના આ પ્રમાણે છે – ચતુઃશરણ, આતુરપ્રત્યાખ્યાન, મહાપ્રત્યાખ્યાન, ભક્તપરિજ્ઞા, તંદુલવૈચારિક, સંસ્તારક, ગચ્છાચાર વિકલ્પમાં ચંદ્રવેધ્યક, ગણિવિદ્યા, દેવેન્દ્રસ્તવ, વીરસ્તવ. એ રીતે ૧૦ + ૧ એમ વિકલ્પ સહિત ૧૧-પયન્ના લીધેલ છે.
ઉપાંગસૂત્ર-નિરયાવલિકા પંચકની વૃત્તિ શ્રી ચંદ્રસૂરિજીની સુપ્રાપ્ય છે, તેનો અત્રે ટીકાનુવાદમાં સમાવેશ કરેલ છે. પયન્ના સૂત્રોમાં અમે ચતુઃશરણ અને તંદુલવૈચારિકમાં વિજય વિમલ ગણિ કૃત્ વૃત્તિ લીધી છે, આતુર પ્રત્યાખ્યાન અને સંસ્તારક માટે ગુણરત્નસૂરિકૃત્ અવચૂરી લીધી છે, ગચ્છાચાર માટે શ્રી વાનર્ષિની લઘુવૃત્તિ અવચૂરી લીધી છે. બાકીના પયન્નામાં માત્ર મૂળનો અર્થ છે. અંચલ-ગચ્છીય ટીકા અમે લીધેલ નથી.
ઉક્ત પંદરે આગમોના વિષય ભિન્ન-ભિન્ન હોવાથી અમે અહીં પ્રસ્તાવનામાં તે પ્રત્યેકની વિષયચર્ચાનો ઉલ્લેખ કરતા નથી, તે જિજ્ઞાસુઓએ અન્ય ગ્રંથથી જાણવા.
પાંચે ઉપાંગોમાં કથાનુયોગ મુખ્ય છે, પયન્ના સૂત્રોમાં અંતિમ આરાધના અને આચરણની પ્રધાનતા છે.
(૩૨) દેવેન્દ્રસ્તવ પ્રકીર્ણક સૂત્ર-૯ – મૂળ સૂત્રનો અનુવાદ –
2
૦ આ પયન્નાસૂત્રની કોઈ વૃત્તિ કે અવચૂરી આદિ હોવાનું અમારી જાણમાં નથી, માટે મૂળ સૂત્રનો માત્ર અનુવાદ અહીં કરેલ છે.
૦ સૂત્ર અને વિવેચન એવા બે વિભાગ ન હોવાથી, અમે અહીં માત્ર સૂત્રની જ નોંધ કરેલ છે.
૦ આખું સૂત્ર ગાથાબદ્ધ હોવાથી ગાથા-૧, ગાથા-૨ એ પ્રમાણે અમોએ અહીં ક્રમ નિર્દેશ કરેલો છે.
[આ સૂત્ર-૩૦૮ ગાથાત્મક છે, જે ક્રમશઃ આ પ્રમાણે –]
3
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧ થી ૩ :– [–/૧ થી ૩]
ત્રૈલોક્ય ગુરુ, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્યો વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર શ્રી વર્ધમાન મહાવીરને નમસ્કાર કરીને – નિશ્ચે આગમવિદ્ કોઈ શ્રાવક, સંધ્યાકાળના પ્રારંભે
જેણે અહંકાર જીત્યો છે તેવા વર્ધમાન મહાવીર સ્વામીની સ્તુતિ કરે છે, તે સ્તુતિ કરતાં –
શ્રાવકની પત્ની સુખપૂર્વક સામે બેસી, સમભાવથી બંને હાથ જોડી વર્ધમાન સ્વામીની સ્તુતિ સાંભળે છે.
4
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૪ :– [–/૪]
તિલકરૂપી રત્ન અને સૌભાગ્યસૂચક ચિહ્નથી અલંકૃત્ ઈન્દ્રની પત્નીની સાથે અમે પણ –
માન ચાલ્યું ગયું છે તેવા વર્ધમાન સ્વામીના ચરણોમાં વંદના કરીએ છીએ.
5
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૫ :– [–/૫]
વિનયથી પ્રણામ કરવાને કારણે જેમના મુગટ શિથિલ થઈ ગયા છે, તે દેવો દ્વારા અદ્વિતીય યશવાળા અને ઉપશાંત મોહવાળા વર્ધમાન સ્વામીના ચરણો વંદિત થયા છે.
6
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૬ :– [–/૬]
જેમના ગુણો દ્વારા બત્રીશ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે, તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન કરી રહ્યા છીએ. [મંગલાચરણ કર્યુ.]
7
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૭ થી ૧૦ :– [–/૭ થી ૧૦]
તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે, તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરો –
તે બત્રીશ ઈન્દ્રો (૧) કેવો છે? (૨) ક્યાં રહે છે? (૩) કોની કેવી સ્થિતિ છે? (૪) ભવન-પરિગ્રહ કેટલો છે? (૫) કોના વિમાન કેટલા છે? (૬) ભવનો કેટલા છે? (૭) કેટલા નગર છે? (૮) ત્યાંની પૃથ્વીની પહોળાઈ-ઊંચાઈ કેવી છે? (૯) તે વિમાનોનો વર્ણ કેવો છે? (૧૦) આહારનો જઘન્ય, મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે? (૧૧) શ્વાસોચ્છ્વાસ, અવધિજ્ઞાન કેવા છે? તે કહો.
8
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૧ :– [–/૧૧]
જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્યરસને સમાપ્ત કર્યો છે, તેવી પ્રિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં તેના પતિ કહે છે – હે સુતનુ! સાંભળો.
9
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૨, ૧૩ :– [–/૧૨, ૧૩]
પ્રશ્નના ઉત્તરરૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગરથી જે વાત ઉપલબ્ધ છે, તેમાં ઈન્દ્રોની નામાવલીને સાંભળો. અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિ જેમ શુદ્ધ છે, તેને પ્રસન્ન ચિત્તે સાંભળો.
10
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૪ થી ૧૯ :– [–/૧૪ થી ૧૯]
એ વિકસિત નયનોવાળી સુંદરી!
રત્નપ્રભા પૃથ્વીમાં રહેવાવાળા, તેજોલેશ્યાથી સહિત વીશ ભવનપતિ દેવોના નામ મારી પાસે શ્રવણ કરો.
(૧) અસુરોના બે ભવનપતિ ઈન્દ્રો - ચમરેન્દ્ર, અસુરેન્દ્ર.
(૨) નાગકુમારના બે ઈન્દ્રો - ધરણ, ભૂતાનંદ.
(૩) સુવર્ણકુમારના બે ઈન્દ્રો - વેણુદેવ, વેણુદાલી.
(૪) ઉદધિકુમારના બે ઈન્દ્રો - જલકાંત, જલપ્રભ.
(૫) દ્વીપકુમારના બે ઈન્દ્રો - પૂર્ણ, વશિષ્ટ.
(૬) દિશાકુમારના બે ઈન્દ્રો - અમિતગતિ અને અમિતવાહન.
(૭) વાયુકુમારના બે ઈન્દ્રો - વેલંબ, પ્રભંજન.
(૮) સ્તનિતકુમારના બે ઈન્દ્રો - ઘોષ, મહાઘોષ.
(૯) વિદ્યુત્કુમારના બે ઈન્દ્રો - હરિકાંત, હરિસ્સહ.
(૧૦) અગ્નિકુમારના બે ઈન્દ્રો - અગ્નિશિખ, અગ્નિમાનવ.
11
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૦ થી ૨૭ :– [–/૨૦ થી ૨૭]
હે વિકસીત યશ અને વિકસીત નયનોવાળી! સુખપૂર્વક ભવનમાં બેસેલી સુંદરી!
મેં જે આ ૨૦-ઈન્દ્રો કહ્યા, તેમનો ભવન પરિગ્રહ સાંભળ!
– તે ચમરેન્દ્ર, વૈરોચન, અસુરેન્દ્ર મહાનુભવોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪ લાખ છે.
– તે ભૂતાનંદ અને ધરણ નામના બંને નાગકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૮૪-લાખ છે.
- વેણુદેવ અને વેણુદાલી એ બંને સુવર્ણ ઈન્દ્રોના ભવનોની સંખ્યા ૭૨-લાખ છે.
આ રીતે અસુરેન્દ્રાદિના ભવનોની સંખ્યા આ પ્રમાણે –
(૧) અસુરકુમારેન્દ્રની ભવનસંખ્યા ૬૪-લાખ.
(૨) નાગકુમારેન્દ્રની ભવનસંખ્યા ૮૪-લાખ.
(૩) સુવર્ણકુમારેન્દ્રની ભવનસંખ્યા ૭૨-લાખ.
(૪) વાયુકુમારેન્દ્રની ભવનસંખ્યા ૯૬-લાખ.
(૫ થી ૧૦) દ્વીપકુમાર, દિશાકુમાર, ઉદધિકુમાર, વિદ્યુત્કુમાર, સ્તનિતકુમાર અને અગ્નિકુમાર આ છએ યુગલોની ભવન સંખ્યા પ્રત્યેકની ૭૬ લાખ - ૭૬ લાખ છે.
હે લીલાસ્થિત સુંદરી! હવે આ ઈન્દ્રોની સ્થિતિ અર્થાત્ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ –
12
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૮ થી ૩૦ :– [–/૨૮ થી ૩૦]
હે સુંદરી!
(૧) ચમરેન્દ્રની ઉત્કૃષ્ટ આયુ સ્થિત એક સાગરોપમ.
(૨) બલિ અને (૩) વૈરોચન ઈન્દ્રની પણ એ જ છે.
(૪) ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણે દિશાના ઈન્દ્રોની ઉત્કૃષ્ટ આયુસ્થિતિ દોઢ પલ્યોપમ છે.
(૫) બલિ સિવાયના બાકીના ઉત્તર દિશાના ઈન્દ્રો છે, તેની આયુસ્થિતિ કંઈક ન્યૂન બે પલ્યોપમ છે.
13
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૩૧ થી ૩૮ :– [–/૩૧ થી ૩૮]
આ બધું આયુ-સ્થિતિનું વિવરણ છે.
હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદર નગરોનું, સુંદરી! માહાત્મ્ય છે તે સાંભળ.
સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વીમાં ૧૧,૦૦૦ યોજન છે.
– તેમાં ૧૦૦૦ યોજન જતાં ભવનપતિના નગર છે.
– આ (નગર) ભવન બધાં અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે.
– તે સ્વાભાવિક રીતે અત્યંત સુંદર, રમણીય, નિર્મળ અને વજ્રરત્નના બનેલા છે.
– ભવન નગરોના પ્રાકાર સોનાના બનેલા છે.
– શ્રેષ્ઠ કમળની પાંખડી ઉપર રહેલા આ ભવનો વિવિધ મણિથી શોભિત અને સ્વભાવથી મનોહારી છે.
– લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પમાળા અને ચંદનથી બનાવેલા દરવાજાથી યુક્ત છે.
– તે નગરોના ઉપરના ભાગ પતાકાથી શોભે છે તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે.
– તે શ્રેષ્ઠ દ્વાર આઠ યોજન ઊંચા છે અને તેની ઉપરનો ભાગ લાલ કળશોથી સજાવેલ છે, ઉપર સોનાના ઘંટ બાંધ્યા છે. – આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતાં સમયને જાણતાં નથી.
14
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૩૯ થી ૪૨ :– [–/૩૯ થી ૪૨]
(૧) ચમરેન્દ્ર, (૨) ધરણેન્દ્ર, (૩) વેણુદેવ, (૪) પૂર્ણ, (૫) જલકાંત, (૬) અમિતગતિ, (૭) વેલંબ, (૮) ઘોષ, (૯) હરિ અને (૧૦) અગ્નિ-શીખ. આ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડીત, સ્વર્ણસ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન...
દક્ષિણ દિશામાં હોય છે. ઉત્તર દિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવનો હોય છે.
દક્ષિણ દિશા તરફ (૧) અસુરકુમારના ૩૪ લાખ, (૨) નાગકુમારના ૪૪-લાખ, (૩) સુવર્ણકુમારના ૪૮-લાખ, (૪ થી ૯) દ્વીપ, ઉદધિ, વિદ્યુત, સ્તનિત અને અગ્નિકુમારના પ્રત્યેકના ચાલીશ-ચાલીશ લાખ અને (૧૦) વાયુકુમારના ૫૦-લાખ ભવન હોય છે.
ઉત્તરદિશા તરફ (૧) અસુરકુમારના ૩૦ લાખ, (૨) નાગકુમારના ૪૦ લાખ, (૩) સુવર્ણકુમારના ૩૪ લાખ, (૪) વાયુકુમારના ૪૬ લાખ, (૫ થી ૯) દ્વીપ, ઉદધિ, વિદ્યુત્, સ્તનિત અને અગ્નિકુમાર એ પાંચેના પ્રત્યેકના છત્રીશ-છત્રીશ લાખ ભવનો છે.
15
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૪૩ થી ૪૫ :– [–/૪૩ થી ૪૫]
બધાં વૈમાનિક અને ભવનપતિ ઈન્દ્રોની ત્રણ પર્ષદા હોય.
– એ બધાનાં ત્રાયસ્ત્રિંશક, લોકપાલ, સામાનિક અને ચારગણા આત્મરક્ષક દેવો હોય છે.
– દક્ષિણ દિશાના ભવનપતિના ૬૪,૦૦૦. – ઉત્તર દિશાના ભવનપીતના ૬૦,૦૦૦.
– વાણ-વ્યંતરોના ૬૦૦૦. – જ્યોતિષ્કેન્દ્રોના ૪૦૦૦ સામાનિક દેવો હોય છે.
– એ પ્રમાણે ચમરેન્દ્ર અને બલીન્દ્રની પાંચ અગ્રમહિષી અને બાકીના ભવનપતિની છ અગ્રમહિષીઓ હોય છે
16
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૪૬ થી ૫૦ :– [–/૪૬ થી ૫૦]
એ રીતે જંબૂદ્વીપમાં બે, માનુષોત્તર પર્વતમાં ચાર, અરુણ સમુદ્રમાં છ અને અરુણ દ્વીપમાં આઠ ભવનપતિ આવાસ છે. – જે નામના સમુદ્ર કે દ્વીપમાં તેમની ઉત્પત્તિ થાય છે.
– અસુર, નાગ અને ઉદધિકુમારોના આવાસ અરુણવર સમુદ્રમાં હોય છે, તેમાં જ તેની ઉત્પત્તિ થાય છે.
– દ્વીપ, દિશા, અગ્નિ, સ્તનિતકુમારોના આવાસો અરુણવરદ્વીપમાં હોય છે, તેમાં જ તેમની ઉત્પત્તિ થાય.
– વાયુકુમાર અને સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોય છે.
– હરિ અને હરિસ્સહ દેવોના આવાસ વિદ્યુત્પ્રભ અને માલ્યવંત પર્વતો ઉપર હોય છે.
17
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૫૧ થી ૬૫ :– [–/૫૧ થી ૬૫]
હે સુંદરી! ભવનપતિદેવોમાં જેનું જે બળ-વીર્ય પરાક્રમ છે, તેનું યથાક્રમે, આનુપૂર્વીપૂર્વક વર્ણન કરું છું.
– અસુર અને અસુરકન્યા દ્વારા જે સ્વામીત્વનો વિષય છે, તેનું ક્ષેત્ર જંબૂદ્વીપ અને ચમરેન્દ્રની ચમરચંચા રાજધાની સુધી છે, આ જ સ્વામીત્વ બલિ અને વૈરોચનનું પણ છે.
– ધરણ અને નાગરાજ જંબૂદ્વીપને ફેણથી આચ્છાદિત કરી શકે છે. તેમજ ભૂતાનંદ માટે જાણવું.
– ગરુડેન્દ્ર અને વેણુદેવ પાંખ દ્વારા જંબૂદ્વીપને આચ્છાદિત કરી શકે છે, તેવું જ વેણુદાલીનું જાણવું.
– જલકાંત અને જલપ્રભ એક જ જલતરંગ દ્વારા જંબૂદ્વીપને ભરી દઈ શકે છે.
– અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબૂદ્વીપને કંપાવી શકે છે.
– વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા આખા જંબૂદ્વીપને ભરી શકે છે.
– હે સુંદરી! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દથી જંબૂદ્વીપને બહેરો કરી શકે છે.
– હરિ અને હરિસ્સહ એક વિદ્યુત્ થકી આખા જંબૂદ્વીપને પ્રકાશિત કરી શકે છે.
– અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જ્વાળાથી આખા જંબૂદ્વીપને બાળી શકે છે.
– હે સુંદરી! તીર્છાલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ અને સમુદ્રને અવગાહી શકે છે.
– કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથે છત્રની જેમ ધારણ કરી શકે છે.
– મેરુ પર્વતને પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે.
– કોઈ એક શક્તિશાળી ઈન્દ્ર જંબૂદ્વીપને છત્ર અને મેરુ પર્વતને દંડ બનાવી શકે છે.
આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે.
18
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૬૬ થી ૬૮ :– [–/૬૬ થી ૬૮]
સંક્ષેપથી આ ભવનપતિઓના ભવનની સ્થિતિ કહી.
– હવે વ્યંતરના ભવનપતિની સ્થિતિ સાંભળો - પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકારો છે. આ વાણવ્યંતર દેવોને સંક્ષેપથી મેં કહ્યા – હવે એક એક કરીને સોળ ઈન્દ્રો અને ઋદ્ધિ કહીશ.
19
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૬૯ થી ૭૨ :– [–/૬૯ થી ૭૨]
કાળ, મહાકાળ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંનર, કિંપુરુષ, સત્પુરુષ, મહાપુરુષ, અનિકાય, મહાકાય, ગીતરતિ અને ગીતયશ.
આ સોળ વાણ વ્યંતરેન્દ્રો છે.
વાણવ્યંતરોના ભેદમાં સંનિહિત, સમાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ, હાસરતિ, શ્વેત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ.
આ અંતર્ભૂત્ બીજા ૧૬ વાણવ્યંતરેન્દ્ર જાણવા.
20
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૭૩ થી ૮૦ :– [–/૭૩ થી ૮૦]
વ્યંતર દેવ ઉર્ધ્વ, અધો, તીર્છાલોકમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભાપૃથ્વીના ઉપરના ભાગમાં હોય છે. એકૈક યુગલમાં નિયમા અસંખ્યાતા શ્રેષ્ઠભવન છે.
તે વિસ્તારથી સંખ્યાત યોજનવાળા છે. જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે –
જે ઉત્કૃષ્ટથી જંબૂદ્વીપ સમાન, જઘન્યથી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહ ક્ષેત્ર સમાન હોય છે.
જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરુણીના ગીત અને સંગીતના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને આનંદિત રહેતાં પસાર થતાં સમયને જાણતાં નથી.
મણિ-સુવર્ણ અને રત્નોના સ્તૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે.
આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ ૧૦,૦૦૦ વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે.
આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે,
હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ.
21
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૮૧ થી ૮૬ :– [–/૮૧ થી ૮૬]
ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો કહ્યા છે.
હવે તેમની સ્થિતિ અને ગતિ કહીશ.
તીર્છાલોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્થફળના આકારના સ્ફટિક રત્નમય રમણીય અસંખ્યાત વિમાન છે
રત્નપ્રભા પૃથ્વીના સમભૂતળા ભાગથી ૭૯૦ યોજન ઊંચાઈએ તેમનું નિમ્નતળ છે.
– સમભૂતલા પૃથ્વીથી ૮૦૦ યોજને સૂર્ય છે.
– એ જ રીતે ૮૮૦ યોજન ઊંચે ચંદ્ર સ્થિત છે.
– એ પ્રમાણે જ્યોતિષ્ક દેવ વિસ્તાર ૧૧૦ યોજન છે.
– એક યોજનમાં ૬૧ ભાગ કરીએ, તો તે ૬૧ ભાગમાં ૫૬ ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે.
– સૂર્યનો આયામ-વિષ્કંભ ૪૮ ભાગ જેટલો હોય છે.
– જેમાં જ્યોતિષ્ક દેવ શ્રેષ્ઠ તરુણીના ગીત અને વાદ્યોના અવાજના કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતાં તે દેવો કાળને જાણતા નથી.
22
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૮૭ થી ૯૧ :– [–/૮૭ થી ૯૧]
એક યોજનના ૬૧-ભાગમાંથી ૫૬ ભાગ વિસ્તારવાળું ચંદ્રમંડલ હોય અને ૨૮ ભાગ જેટલી પહોળાઈ હોય.
૪૮ ભાગ જેટલાં વિસ્તારવાળું સૂર્યમંડલ અને ૨૪ ભાગ જેટલી પહોળાઈ હોય છે.
ગ્રહો અર્ધયોજન વિસ્તારમાં તેનાથી અર્ધ વિસ્તારમાં નક્ષત્ર સમૂહ અને તેનાથી અર્ધ વિસ્તારમાં તારા સમૂહ હોય છે. તેમાં અર્ધ વિસ્તાર પ્રમાણ તેની પહોળાઈ છે.
એક યોજનનું અડધું બે ગાઉ થાય છે. તેમાં ૫૦૦ ધનુષ્ હોય છે.
આ ગ્રહ-નક્ષત્રસમૂહ અને તારા વિમાનોનો વિસ્તાર છે, જેનો જે આયામ વિષ્કંભ છે, તેનાથી અડધી પહોળાઈ તેની છે તેનાથી ત્રણ ગણી પરિધિ છે, એમ જાણ.
23
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૯૨, ૯૩ :– [–/૯૨, ૯૩]
– ચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન ૧૬,૦૦૦ દેવ કરે છે. – ગ્રહ વિમાનોનું વહન ૮૦૦૦ દેવો કરે છે.
– નક્ષત્ર વિમાનોનું વહન ૪૦૦૦ દેવો કરે છે. – તારા વિમાનોનું વહન ૨૦૦૦ દેવો કરે છે.
– તે દેવો પૂર્વમાં સિંહ, દક્ષિણમાં હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે.
24
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૯૪ થી ૯૬ :– [–/૯૪ થી ૯૬]
– ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એક-એકથી તેજ ગતિએ ચાલે છે - ગતિ કરે છે.
– ચંદ્રની ગતિ સૌથી ઓછી છે. – તારાની ગતિ સૌથી તેજ છે.
– એ પ્રમાણે જ્યોતિષ્ક દેવની ગતિ વિશેષ જાણવી.
– ઋદ્ધિમાં તારા, નક્ષત્ર, ગ્રહ, સૂર્ય, ચંદ્ર એ એક-એક કરતાં વધુ ઋદ્ધિવાન્ જાણવા.
25
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૯૭ થી ૧૦૦ :– [–/૯૭ થી ૧૦૦]
– બધામાં અભ્યંતર નક્ષત્ર અભિજિત છે. – સૌથી બાહ્ય નક્ષત્ર મૂળ છે.
– સૌથી ઉપર સ્વાતિ અને નીચે ભરણી નક્ષત્ર છે.
– નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બધાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સૂર્યની બરાબર નીચે અને બરાબર ઉપર તારા [નામે જ્યોતિષ્ક વિમાન] હોય છે.
– તારાઓનું પરસ્પર જઘન્ય અંતર ૫૦૦ ધનુષ્ અને ઉત્કૃષ્ટ અંતર ૪૦૦૦ ધનુષ્ [બે ગાઉ] હોય છે.
– વ્યવધાનની અપેક્ષાથી તારાઓનું અંતર જઘન્ય ૨૬૬ યોજન અને ઉત્કૃષ્ટ - ૧૨,૨૪૨ યોજન છે.
26
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૦૧ થી ૧૦૪ :– [–/૧૦૧ થી ૧૦૪]
આ ચંદ્રયોગની ૬૭ ખંડિત અહોરાત્રિ, નવ મુહૂર્ત્ત અને ૨૭-કળા હોય છે.
– શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નક્ષત્રો ૧૫-મુહૂર્ત્ત સંયોગવાળા છે.
– ત્રણે ઉત્તરા નક્ષત્ર, પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્રો ચંદ્રમા સાથે ૪૫-મુહૂર્ત્તનો સંયોગ કરે છે.
– બાકી પંદર નક્ષત્રો ચંદ્રમા સાથે ૩૦ મુહૂર્ત્તનો સંયોગ કરે છે. આ રીતે ચંદ્રમા સાથે નક્ષત્રયોગ જાણવો.
27
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૦૫ થી ૧૦૮ :– [–/૧૦૫ થી ૧૦૮]
અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્ર અને છ મુહૂર્ત્ત એકસાથે ગમન કરે છે.
એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું – શતભિષા, ભરણી, આર્દ્રા, આશ્લેષા, સ્વાતિ અને જ્યેષ્ઠા આ છ નક્ષત્ર અહોરાત્ર અને ૨૧-મુહૂર્ત્ત સૂર્ય સાથે રહે છે.
ત્રણ ઉત્તરા, પુનર્વસુ, રોહિણી અને વિશાખા એ છ નક્ષત્રો ૨૦ અહોરાત્ર અને ત્રણ મુહૂર્ત્ત સુધી સૂર્ય સાથે રહે છે. બાકીના ૧૫ નક્ષત્રો ૧૩ અહોરાત્ર અને ૧૨-મુહૂર્ત્ત પર્યન્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે.
28
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૦૯ થી ૧૨૬ :– [–/૧૦૯ થી ૧૨૬]
બે ચંદ્ર, બે સૂર્ય, ૫૬ નક્ષત્ર, ૧૭૬ ગ્રહ, ૧,૩૩,૯૫૦ કોડાકોડીતારાગણ એ બધાં જંબૂદ્વીપમાં વિચરે છે.
લવણસમુદ્રમાં ૪-ચંદ્ર,૪-સૂર્ય,૧૧૨ નક્ષત્ર, ૩૫૨ ગ્રહો, ૨,૬૭,૯૦૦ કોડાકોડીતારાગણ ભ્રમણ કરે છે
ઘાતકીખંડમાં ૧૨-ચંદ્ર,૧૨-સૂર્ય,૩૩૬ નક્ષત્ર, ૧૦૫૬ ગ્રહો, ૮,૦૩,૭૦૦ કોડાકોડીતારાગણ વિચરે છે
કાલોદધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪૨-ચંદ્ર, ૪૨-સૂર્ય, ૧૧૭૬ નક્ષત્રો, ૩૬૯૯ ગ્રહો, ૨૮,૧૨,૯૫૦ કોડાકોડી તારાગણ છે.
એ જ રીતે પુષ્કરવરદ્વીપમાં ૧૪૪-ચંદ્ર, ૧૪૪-સૂર્ય, ૪૦૩૨ નક્ષત્રો, ૧૨,૬૩૨ ગ્રહો, ૯૬,૪૪,૪૦૦ કોડાકોડી તારાગણ વિચરે છે.
અર્ધપુષ્કરવર દ્વીપમાં તેનાથી અડધાં અર્થાત્ ૭૨ ચંદ્ર, ૭૨-સૂર્ય આદિ વિચરણ કરે છે.
આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩૨-ચંદ્ર, ૧૩૨-સૂર્યો, ૧૧૬૧૬ મહાગ્રહો, ૩૬૯૬ નક્ષત્રો, ૮૮,૪૦,૭૦૦ કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશિત કરે છે [તેમ જાણ.]
29
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૨૭ થી ૧૨૯ :– [–/૧૨૭ થી ૧૨૯]
– સંક્ષેપથી મનુષ્યલોકમાં આ નક્ષત્ર સમૂહ કહ્યો.
– મનુષ્યલોકની બહાર જિનેન્દ્રો દ્વારા અસંખ્યાત તારા કહેલા છે. આ રીતે મનુષ્યલોકમાં સૂર્ય આદિ ગ્રહો કહ્યા છે, તે કદંબ વૃક્ષના ફૂલના આકાર સમાન વિચરણ કરે છે.
– આ રીતે મનુષ્ય લોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કહ્યા છે, જેના નામ-ગોત્ર સાધારણ બુદ્ધિવાળા મનુષ્યો કહી શકતા નથી.
30
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૩૦ થી ૧૩૬ :– [–/૧૩૦ થી ૧૩૬]
– મનુષ્યલોકમાં ચંદ્રો અને સૂર્યોની ૬૬ પિટકો છે.
– એક એક પિટકમાં બબ્બે ચંદ્ર અને સૂર્ય છે.
– નક્ષત્ર આદિની ૬૬-પિટકો છે, એક એક પિટકમાં ૫૬-૫૬ નક્ષત્રો છે. મહાગ્રહો ૧૭૬ છે.
એ જ રીતે મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્યની ચાર-ચાર પંક્તિ છે, એક એક પંક્તિમાં ૬૬-૬૬ નક્ષત્રો છે.
ગ્રહોની પંક્તિ ૭૬ હોય છે. દરેકમાં ૬૬-૬૬ ગ્રહો હોય છે.
ચંદ્ર, સૂર્ય અને ગ્રહ સમૂહ અનવસ્થિત સંબંધથી તે મેરુ પર્વતની પરિક્રમા કરતાં બધા મેરુ પર્વતની મંડલાકાર પ્રદક્ષિણા કરે છે.
31
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૩૭ થી ૧૪૦ :– [–/૧૩૭ થી ૧૪૦]
એ જ રીતે નક્ષત્રો અને ગ્રહોના નિત્યમંડળ પણ જાણવા. તે પણ મેરુ પર્વતની પ્રદક્ષિણા મંડલાકારે કરે.
ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર-નીચે હોતી નથી, પણ અંદર-બહાર તીર્છી અને મંડલાકાર હોય છે.
ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષ્કોના પરિભ્રમણ વિશેષ દ્વારા મનુષ્યોના સુખ અને દુઃખની ગતિ હોય છે.
તે જ્યોતિષ્ક દેવ નજીક હોય તો તાપમાન નિયમા વધે છે અને દૂર હોય તો તાપમાન ઘટે છે.
તેમનું તાપક્ષેત્ર કલંબુક પુષ્પના સંસ્થાન સમાન હોય છે.
ચંદ્ર અને સૂર્યનું તાપક્ષેત્ર અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત હોય છે.
32
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૪૧ થી ૧૪૬ :– [–/૧૪૧ થી ૧૪૬]
કયા કારણે ચંદ્રમા વધે છે, કયા કારણે ક્ષીણ થાય છે? કયા કારણે ચંદ્રની જ્યોત્સના અને કાલિમા થાય?
રાહુનું કાળું વિમાન હંમેશાં ચંદ્રમાંની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુક્લપક્ષમાં ચંદ્રમાં ૬૨-૬૨ ભાગ રાહુથી અનાવૃત્ત થતો રોજ વધે છે.
કૃષ્ણપક્ષમાં તેટલાં જ સમયમાં રાહુથી આવૃત્ત થતાં ઘટે છે. ચંદ્રમાંના પંદર ભાગ ક્રમશઃ રાહુના ૧૫ ભાગોથી અનાવૃત્ત થતાં જાય છે અને પછી આવૃત્ત થતાં જાય છે.
એ કારણે ચંદ્રમાં વૃદ્ધિ અને હાનિને પામે છે. એ જ કારણે જ્યોત્સ્ના અને કાલિમા આવે છે.
33
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૪૭, ૧૪૮ :– [–/૧૪૭, ૧૪૮]
મનુષ્યલોકમાં ઉત્પન્ન અને સંચરણ કરવાવાળા –
ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવો હોય છે– [તે તું જાણ.] –
મનુષ્યલોકની બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા, નક્ષત્ર છે તેની ગતિ પણ નથી, સંચરણ પણ નથી. તેથી આ સૂર્યાદિ બધાંને સ્થિર જ્યોતિષ્ક જાણવા.
34
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૪૯ થી ૧૫૧ :– [–/૧૪૯ થી ૧૫૧]
આ ચંદ્ર અને સૂર્ય જંબૂદ્વીપમાં બે-બે છે. લવણસમુદ્રમા ચાર-ચાર હોય છે. ઘાતકીખંડમાં બાર-બાર હોય
– એટલે કે જંબૂદ્વીપમાં બેગણાં, લવણસમુદ્રમાં ચારગણાં, ઘાતકીખંડમાં બારગણાં હોય છે.
– ઘાતકીખંડના આગળના ક્ષેત્રમાં અર્થાત્ દ્વીપ, સમુદ્રમાં સૂર્ય-ચંદ્રની સંખ્યાની તેની પૂર્વેના દ્વીપ-સમુદ્રની સંખ્યા કરતાં ત્રણગણાં કરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરી જાણવા જોઈએ. [જેમકે – કાલોદધિ સમુદ્રમાં ૪૨-૪૨ ચંદ્ર સૂર્ય વિચરે છે. તો આ સંખ્યાનું ગણિત આ પ્રમાણે –]
– પૂર્વના લવણ સમુદ્રમાં સૂર્ય-ચંદ્ર ૧૨-૧૨ છે. – તેના ત્રણ ગણાં કરો એટલે ૩૬-૩૬ સંખ્યા આવે. – તેમાં પૂર્વના ૨ + ૪ ચંદ્ર-સૂર્ય ઉમેરો. – તેથી ૩૬ + ૪ + ૨ = ૪૨ ચંદ્ર, ૪૨ સૂર્ય સંખ્યા થાય. આ પ્રમાણે આગળ-આગળના દ્વીપાદિમાં ગણવું.
35
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૫૨ :– [–/૧૫૨]
જો તું દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર, ગ્રહ, તારાની સંખ્યા જાણવા ઈચ્છતી હો તો – [ગણન રીત–]
એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણવી.
36
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૫૩ થી ૧૫૬ :– [–/૧૫૩ થી ૧૫૬]
માનુષોત્તર પર્વતની બહાર ચંદ્ર, સૂર્ય અવસ્થિત છે, ત્યાં ચંદ્ર અભિજિત નક્ષત્રના યોગવાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યોગવાળો હોય છે. [તે તું જાણ.]
સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંતર-૫૦ હજાર યોજન કરતાં ઓછું હોતું નથી.
ચંદ્રનું ચંદ્રથી અને સૂર્યનું સૂર્યથી અંતર ૧-લાખ યોજન.
ચંદ્રથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરિત છે, તે અનેક વર્ણના કિરણોવાળો છે.
37
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૫૭, ૧૫૮ :– [–/૧૫૭, ૧૫૮]
એક ચંદ્ર પરિવારના ૮૮ ગ્રહો અને ૨૮ નક્ષત્રો હોય છે, ૬૬,૯૭૫ કોડાકોડી તારાગણ હોય છે.
38
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૫૯ થી ૧૬૧ :– [–/૧૫૯ થી ૧૬૧]
સૂર્ય દેવોની આયુ સ્થિતિ ૧૦૦૦ વર્ષ અધિક એક પલ્યોપમ કહી છે, ચંદ્ર દેવની સ્થિતિ એક લાખ વર્ષાધિક એક પલ્યોપમ છે. ગ્રહોની સ્થિતિ ૧-પલ્યોપમ, નક્ષત્રોની સ્થિતિ અર્ધ પલ્યોપમ, તારાની સ્થિતિ ૧/૪ [પા] પલ્યોપમ છે. જ્યોતિષ્ક દેવોની જઘન્ય સ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક એક લાખ વર્ષ-પલ્યોપમ કહી છે.
39
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૬૨ :– [–/૧૬૨]
મેં ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક દેવની સ્થિતિ કહી. હવે મહાન્ ઋદ્ધિવાળા ૧૨-કલ્પપતિ ઈન્દ્રોનું વિવરણ –
40
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૬૩ થી ૧૬૮ :– [–/૧૬૩ થી ૧૬૮]
પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા-સનત્કુમાર, ચોથા માહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ, છઠ્ઠા લાંતક...
સાતમાં મહાશુક્ર, આઠમાં સહસ્રાર, નવમાં આનત, દશમાં પ્રાણત, અગિયારમાં આરણ, બારમાં અચ્યુત. આ રીતે બાર કલ્પપતિ ઈન્દ્ર કલ્પોના સ્વામી હોય છે. તે ઈન્દ્રો સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી.
આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે, તે સ્વશાસિત ભાવનાથી ઉત્પન્ન થાય છે. કેમકે ગ્રૈવેયકમાં અન્યરૂપ અર્થાત્ દાસભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્ દર્શનથી પતિત પણ શ્રમણ વેશને ધારણ કરે છે, તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે ગ્રૈવેયક સુધી થાય.
41
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૬૯ થી ૧૭૩ :– [–/૧૬૯ થી ૧૭૩]
અહીં સૌધર્મ કલ્પપતિ શક્ર મહાનુભવના બત્રીશ લાખ વિમાનોનું કથન કરાયેલ છે.
ઈશાનેન્દ્રના ૨૮ લાખ, સનત્કુમારના ૧૨-લાખ વિમાનો.
માહેન્દ્રના ૮-લાખ, બ્રહ્મલોકના ૪-લાખ વિમાનો.
લાંતકના ૫૦-હજાર, મહાશુક્રના ૪૦-હજાર વિમાનો.
સહસ્રારના ૬-હજાર, આણત-પ્રાણતના ૪૦૦, આરણ-અચ્યુતના ૩૦૦ વિમાનો કહેલાં છે.
અર્થાત્ ઉક્ત સંખ્યામાં વિમાનોનું અધિપતિપણું. તે-તે ઈન્દ્રો [કલ્પસ્વામી] ભોગવે છે.
42
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૭૪ થી ૧૮૬ :– [–/૧૭૪ થી ૧૮૬]
આ પ્રકારે હે સુંદરી! જે કલ્પમાં જેટલાં વિમાનો કહ્યાં છે, તે કલ્પસ્થિતિ વિશેષને સાંભળ.
શક્ર મહાનુભવની બે સાગરોપમ, ઈશાનેન્દ્રની સાધિક બે સાગરોપમ કલ્પસ્થિતિ કહી છે.
સનત્કુમારેન્દ્રની સાત, માહેન્દ્રની સાધિક સાત સાગરોપમ.
બ્રહ્મલોકેન્દ્રની દશ, લાંતકેન્દ્રની ચૌદ સાગરોપમ.
મહાશુક્રેન્દ્રની સત્તર, સહસ્રારેન્દ્રની અઢાર સાગરોપમ.
આનત કલ્પમાં-૧૯, પ્રાણત કલ્પમાં-૨૦ સાગરોપમ.
આરણ કલ્પમાં-૨૧, અચ્યુત કલ્પમાં-૨૨ સાગરોપમ. એ પ્રમાણે આયુસ્થિતિ જાણવી. હવે અનુત્તર અને ગ્રૈવેયક વિમાનોનો વિભાગ સાંભળો.
અધો, મધ્ય અને ઉર્ધ્વ એ ત્રણે ગ્રૈવેયક છે. તે પ્રત્યેકના ત્રણ-ત્રણ પ્રકારો છે, એ રીતે નવ ગ્રૈવેયક છે – સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. અધો ગ્રૈવેયકમાં-૧૧૧, મધ્યમ ગ્રૈવેયકમાં-૧૦૭ અને ઉર્ધ્વ ગ્રૈવેયકમાં-૧૦૦ [એમ કુલ -૩૧૮ વિમાનો છે.]
અનુત્તરોપપાતિકમાં પાંચ વિમાનો કહ્યા છે.
હે નમિતાંગિ! સૌથી નીચેવાળા ગ્રૈવેયકોના દેવોનું આયુ ૨૩-સાગરોપમ છે. બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ એક-એક સાગરોપમની આયુ-સ્થિતિ વધતી જાય છે.
વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એ ચારે વિમાન ક્રમશઃ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તરમાં સ્થિત છે. મધ્યમાં સર્વાર્થસિદ્ધ નામે પાંચમું વિમાન છે.
આ બધાં વિમાનોની સ્થિતિ ૩૩-સાગરોપમ ઉત્કૃષ્ટ કહી છે, પણ સર્વાર્થસિદ્ધમાં અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપ છે.
43
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૮૭, ૧૮૮ :– [–/૧૮૭, ૧૮૮]
નીચે-ઉપરના બબ્બે કલ્પયુગલ અર્થાત્ આ આઠ વિમાન અર્ધચંદ્રાકાર છે, મધ્યના ચાર પૂર્ણ ચંદ્રાકાર છે. ગ્રૈવેયક દેવોના વિમાનો ત્રણ-ત્રણ પંક્તિમાં છે, અનુત્તર વિમાન પુષ્પાકારે હોય છે.
44
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૮૯, ૧૯૦ :– [–/૧૮૯, ૧૯૦]
સૌધર્મ અને ઈશાન એ બે કલ્પોમાં દેવ-વિમાન ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે.
સનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મ એ ત્રણ કલ્પોમાં દેવ વિમાનો ઘનવાત ઉપર પ્રતિષ્ઠિત છે.
લાંતક, મહાશુક્ર અને સહસ્રાર એ૩ કલ્પોમાં દેવવિમાનો ઘનોદધિ અને ઘનવાત બંને ઉપર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધાં વિમાનો આકાશાંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉર્ધ્વલોકના વિમાનોની આધારવિધિ કહી.
45
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૯૧ થી ૧૯૩ :– [–/૧૯૧ થી ૧૯૩]
ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ, નીલ, કાપોત અને તેજોલેશ્યા [એ ચાર લેશ્યા] હોય છે.
જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાનમાં તેજોલેશ્યા હોય છે. સાનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં પદ્મલેશ્યા હોય છે.
તેમની ઉપરના દેવલોકોમાં શુક્લલેશ્યા હોય છે.
સૌધર્મ અને ઈશાન બે કલ્પોવાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનત્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકના દેવોનો વર્ણ પદ્મ જેવો શ્વેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુક્લ હોય છે.
46
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૯૪ થી ૧૯૮ :– [–/૧૯૪ થી ૧૯૮]
ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક એ ત્રણે પ્રકારના દેવોની ઊંચાઈ સાત હાથ પ્રમાણ છે. હે સુંદરી! હવે ઉપરના કલ્પપતિ દેવોની ઊંચાઈ –
– સૌધર્મ અને ઈશાનની સાત હાથ પ્રમાણ છે.
– તેની ઉપર બબ્બે કલ્પ સમાન હોય છે અને એક-એક હાથ પ્રમાણ માપ ઘટતું જાય છે.
– ગ્રૈવેયકોની ઊંચાઈ બે હાથ પ્રમાણ હોય છે.
– અનુત્તર વિમાનવાસીની એક હાથ પ્રમાણ હોય.
– એક કલ્પથી બીજા કલ્પના દેવોની સ્થિતિ સાગરોપમથી અધિક હોય છે અને ઊંચાઈ તેનાથી ૧૧ ભાગ ઓછી હોય છે. – વિમાનોની ઊંચાઈ અને પૃથ્વીની જાડાઈ, તે બંનેનું પ્રમાણ ૩૨૦૦ યોજન હોય છે.
47
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૧૯૯ થી ૨૦૨ :– [–/૧૯૯ થી ૨૦૨]
ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની કામક્રીડા શારીરિક હોય છે.
હે સુંદરી! હવે તું કલ્પપતિઓની કામક્રીડા સાંભળ – – સૌધર્મ અને ઈશાન કલ્પમાં જે દેવો છે, તેમની કામક્રીડા શારીરિક હોય છે, જ્યારે સનત્કુમાર દેવો અને માહેન્દ્ર દેવો એ બંને માત્ર સ્પર્શ દ્વારા કામક્રીડાને અનુભવે છે. – બ્રહ્મ અને લાંતકના દેવોની કામક્રીડા ચક્ષુ દ્વારા છે. – મહાશુક્ર, સહસ્રાર દેવોની કામક્રીડા શ્રોત્ર દ્વારા છે. – આનતાદિ ચારે કલ્પના દેવોની કામક્રીડા મનથી છે. – તેની ઉપરના દેવોમાં કામક્રીડા હોતી નથી.
48
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૦૩, ૨૦૪ :– [–/૨૦૩, ૨૦૪]
ગોશીર્ષ, અગરુ, કેતકીના પાન, પુન્નાગના ફૂલ, બકૂલની ગંધ, ચંપક અને કમલની ગંધ અને તગરાદિની સુગંધ દેવોમાં હોય. આ ગંધવિધિ સંક્ષેપથી ઉપમા દ્વારા કહી.
દેવતાઓ દૃષ્ટિથી સ્થિર અને સ્પર્શથી સુકુમાર હોય છે.
49
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૦૫ થી ૨૦૮ :– [–/૨૦૫ થી ૨૦૮]
ઉર્ધ્વલોકમાં વિમાન સંખ્યા - ૮૪,૯૭,૦૨૩ – તેમાં પુષ્પાકૃતિવાળા ૮૪,૮૯,૧૫૪ છે. – તેમાં શ્રેણિબદ્ધ વિમાનો ૭૮૭૪ છે. – તે સિવાયના વિમાનો પુષ્પકર્ણિકાકાર હોય છે. પુષ્પાકૃતિવાળા વિમાનોની પંક્તિનું અંતર નિશ્ચયથી અસંખ્યાત યોજન અને પુષ્પકર્ણિકાકાર વિમાનોનું અંતર સંખ્યાત યોજન છે.
50
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૦૯ થી ૨૧૩ :– [–/૨૦૯ થી ૨૧૩]
આવલિકાપ્રવિષ્ટ વિમાન ગોળાકાર,ત્રિકોણ, ચતુષ્કોણ હોય, પુષ્પકર્ણિકાની સંરચના અનેકાકારે હોય છે
વર્તુળાકાર વિમાન કંકણાકૃતિ જેવા, ત્રિકોણ વિમાન શીંગોડા જેવા, ચતુષ્કોણ વિમાન પાસે જેવા હોય છે.
એક અંતર, પછી ચતુષ્કોણ, પછી વર્તુળ, પછી ત્રિકોણ એ રીતે વિમાનો રહેલાં હોય છે.
વિમાનોની પંક્તિ વર્તુળાકાર ઉપર વર્તુળાકાર, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચતુષ્કોણ ઉપર ચતુષ્કોણ હોય છે.
બધાં વિમાનોનું અવલંબન દોરડાની જેમ ઉપરથી નીચે અને એક છેડાથી બીજા છેડા સુધી સમાન હોય.
51
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૧૪ થી ૨૧૬ :– [–/૨૧૪ થી ૨૧૬]
બધાં વર્તુળાકાર વિમાન પ્રાકારથી ઘેરાયેલા અને
ચતુષ્કોણ વિમાનો ચારે દિશામાં વેદિકાયુક્ત કહ્યા છે.
જ્યાં વર્તુળાકાર વિમાન હોય છે, ત્યાં જ ત્રિકોણ વિમાનોની વેદિકા હોય, બાકીનાને પાર્શ્વભાગે પ્રાકાર હોય
બધાં વર્તુળાકાર વિમાન એક દ્વારવાળા હોય છે.
ત્રિકોણ વિમાન ૩, ચતુષ્કોણ વિમાન ૪ દ્વારવાળા હોય છે. [આ વર્ણન કલ્પપતિના વિમાનનું જાણવું.]
52
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૧૭, ૨૧૮ :– [–/૨૧૭, ૨૧૮]
૦ ભવનપતિ દેવોના ૭ કરોડ, ૭૨ લાખ ભવનો હોય છે. – આ ભવનોનું સંક્ષિપ્ત કથન કહેલ છે. ૦ તીર્છાલોકમાં ઉત્પન્ન થનારા વાણવ્યંતર દેવોના અસંખ્યાત ભવનો હોય છે. ૦ તેનાથી સંખ્યાતગણાં જ્યોતિષ્ક દેવોના વિમાન હોય.
53
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૧૯ :– [–/૨૧૯]
– વિમાનવાસી દેવો અલ્પ છે. – તેના કરતાં વ્યંતરદેવો અસંખ્યાતગણાં છે.
– તેનાથી સંખ્યાતગણાં અધિક જ્યોતિષ્ક દેવો છે.
54
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૨૦ :– [–/૨૨૦]
સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનોની સંખ્યા છ લાખ કહેવાયેલી છે. [તેમ જાણ.] આ સંખ્યા ઈશાન કલ્પમાં ચાર લાખની હોય છે.
55
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૨૧ થી ૨૨૪ :– [–/૨૨૧ થી ૨૨૪]
– પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દૃષ્ટિ અપેક્ષા થકી શ્રેષ્ઠ છે, અનુપમ વિષય સુખવાળા છે.
– જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે, તે રીતે સચિત્ત પુદ્ગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોને હોય છે. [તેમ તું જાણ.]
જેમ ભ્રમર વિકસીત કળા, વિકસીત કમલ રજ અને શ્રેષ્ઠ કુસુમની મકરંદનું સુખપૂર્વક પાલન કરે છે. [તે રીતે આ દેવો પૌદ્ગલિક વિષયોને સેવે છે.]
હે સુંદરી! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણવાળા, એક જ ઉત્પત્તિ સ્થાનમાં નિવાસ કરનારા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે–
56
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૨૫ થી ૨૩૨ :– [–/૨૨૫ થી ૨૩૨]
હે સુંદરી! અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩,૦૦૦ વર્ષ પૂરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે.
મધ્યવર્તી આયુ ધારણ કરનારા દેવને ૧૬,૫૦૦ વર્ષ પૂરા થાય ત્યારે આહાર ગ્રહણેચ્છા થાય છે.
જે દેવ ૧૦ હજાર વર્ષના આયુને ધારણ કરે છે, તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે.
હે સુંદરી! ૧ વર્ષ અને સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોચ્છ્વાસ હોય છે.
હે સુતનુ! મધ્યમ આયુ ધારણ કરવાવાળા દેવોને આઠ માસ અને સાડા સાત દિવસે શ્વાસોચ્છ્વાસ હોય
જઘન્ય આયુ ધારણ કરવાવાળા દેવતાને શ્વાસોચ્છ્વાસ સાત સ્તોક પૂર્ણ થતાં હોય છે.
દેવોને જેટલાં સાગરોપમની જેની સ્થિતિ, તેટલાં પખવાડીયે તેમને શ્વાસોચ્છ્વાસ હોય છે અને એટલાં જ હજાર વર્ષે તે દેવોને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોચ્છ્વાસ મેં વર્ણવ્યો.
હે સુંદરી! હવે જલ્દી તેના સૂક્ષ્મ અંતરને હું ક્રમશઃ કહીશ.
57
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૩૩ થી ૨૪૦ :– [–/૨૩૩ થી ૨૪૦]
હે સુંદરી! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ.
– સૌધર્મ અને ઈશાન દેવ નીચે એક નરક સુધી, સનત્કુમાર અને માહેન્દ્ર બીજી નરક સુધી જુએ છે.
– બ્રહ્મ અને લાંતક ત્રીજી નારક સુધી, શુક્ર અને સહસ્રાર ચોથી નરક સુધી, આનત-પ્રાણત તથા આરણ-અચ્યુત દેવો પાંચમી નરક સુધી પોતાના અવધિજ્ઞાનથી જુએ છે.
– મધ્યવર્તી ગ્રૈવેયક દેવો છઠ્ઠી નરક સુધી, ઉપરના ગ્રૈવેયક દેવો સાતમી નરક સુધી અવધિ વડે જુએ છે.
– પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને જુએ છે.
– અડધા સાગરોપમથી ઓછા આયુષ્યવાળા દેવો અવધિજ્ઞાનથી તીર્છુ સંખ્યાત યોજન જુએ છે.
– તેનાથી અધિક ૨૫-સાગરોપમવાળાનો અવધિ વિષય પણ જઘન્યથી સંખ્યાત યોજન હોય છે.
તેનાથી વધારે આયુવાળા દેવો તીર્છુ અસંખ્યાત દ્વીપસમુદ્ર સુધી અવધિથી જાણે છે.
ઉપર બધાં દેવો પોતાના કલ્પની ઊંચાઈ સુધી જાણે.
અબાહ્ય અર્થાત્ જન્મથી અવધિજ્ઞાનવાળા નારકી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ, બાકીના દેશથી જુએ છે.
મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાન વિષયક વર્ણન કર્યુ.
હવે વિમાનોના રંગ, જાડાઈ, ઊંચાઈ કહીશ.
58
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૪૧ થી ૨૪૬ :– [–/૨૪૧ થી ૨૪૬]
સૌધર્મ અને ઈશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૭૦૦ યોજન છે અને તે રત્નથી ચિત્રિત જેવી છે.
સુંદર મણિની વેદિકાથી યુક્ત, વૈડૂર્યમણિના સ્તૂપોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવાં ઘણાં પ્રાસાદ આ વિમાનમાં હોય છે. - જેમાં દેવતા વસે છે.
તેમાં જે કૃષ્ણ વિમાન છે, તે સ્વભાવથી અંજન ધાતુસમ તથા મેઘ અને કાકસમાન વર્ણવાળા છે.
જે લીલા રંગના વિમાન છે, તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગરદન જેવા વર્ણવાળા છે.
જે દીપશિખાના રંગવાળા વિમાન છે, તે જાસૂદ પુષ્પ, સૂર્ય જેવા અને હિંગુલ ધાતુ સમાન વર્ણવાળા છે.
જે કોરંટકધાતુ સમાન રંગવાળા વિમાન છે, તે ખીલેલાફૂલની કર્ણિકા સમાન, હળદર જેવા પીળા રંગના છે
59
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૪૭ થી ૨૫૨ :– [–/૨૪૭ થી ૨૫૨]
આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળાવાળા, નિર્મળ દેહવાળા, સુગંધીત શ્વાસવાળા, અવ્યવસ્થિત વયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમેષ આંખવાળા હોય છે.
બધાં દેવતા ૭૨-કળામાં પંડિત હોય છે. ભવસંક્રમણની પ્રક્રિયામાં તેનો પ્રતિપાત હોય છે.
શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું શરીર સ્વાભાવિક તો આભૂષણ રહિત હોય છે, પણ પોતાની ઈચ્છાનુસાર વિકુર્વેલા આભૂષણને દેવો ધારણ કરે છે.
સૌધર્મ-ઈશાનના આ દેવો માહાત્મ્ય, વર્ણ, અવગાહના, પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષમાં હંમેશા ગોળ સરસવની સમાન એકરૂપ હોય છે.
આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણના ૫૦૦ ઊંચા પ્રાસાદ શોભે છે.
ત્યાં સેંકડો મણિઓથી જડિત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને વિવિધ પ્રકારના અલંકારો રહેલાં હોય છે.
60
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૫૩ થી ૨૫૫ :– [–/૨૫૩ થી ૨૫૫]
સાનત્કુમાર અને માહેન્દ્ર કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૬૦૦ યોજન છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે.
ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ, કાળા એવા ૬૦૦ ઊંચા પ્રાસાદો શોભી રહેલા કહ્યા છે. ત્યાં સેંકડો મણિઓથી જડિત, ઘણાં પ્રકારના આસન-શય્યા-સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયવાળા, અલંકાર હોય છે.
61
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૫૬ થી ૨૫૮ :– [–/૨૫૬ થી ૨૫૮]
બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૫૦૦ યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે.
સુંદર મણિની વેદિકાથી યુક્ત, વૈડૂર્ય મણિઓની સ્તૂપિકા યુક્ત, રત્નમયમાલા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો આ વિમાનોમાં હોય છે.ત્યાં લાલ,પીળા,સફેદ વર્ણવાળા ૭૦૦ ઊંચા પ્રાસાદો શોભાયમાન રહેલાં છે
62
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૫૯ થી ૨૬૨ :– [–/૨૫૯ થી ૨૬૨]
શુક્ર અને સહસ્રાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ ૨૪૦૦ યોજન હોય છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે.
સુંદર મણિ અને વેદિકા, વૈડૂર્ય મણિની સ્તૂપિકા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત એવાં ઘણાં પ્રકારના પ્રાસાદ ઉક્ત બંને કલ્પના વિમાનોમાં હોય છે.
પીળા અને સફેદ વર્ણવાળા ૮૦૦ ઊંચા પ્રાસાદો છે. ત્યાં સેંકડો મણિથી જડિત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયવાળા અને અલંકાર હોય છે.
63
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૬૩ થી ૨૬૫ :– [–/૨૬૩ થી ૨૬૫]
આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વી જાડાઈ-૨૩૦૦ યોજનોની હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે.
સુંદર મણિઓની વેદિકા, વૈડૂર્ય મણિની સ્તૂપિકા, રત્નમય માળા, અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ઉક્ત બંને કલ્પના વિમાનોમાં હોય છે. શંખ અને હિમ જેવા શુક્લ વર્ણના ૯૦૦ ઊંચા પ્રાસાદો છે.
64
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૬૬ થી ૨૬૮ :– [–/૨૬૬ થી ૨૬૮]
ગ્રૈવેયક વિમાનોમાં ૨૨૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે.
સુંદર મણિની વેદિકા, વૈડૂર્ય મણિની સ્તૂપિકા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો ઉક્ત ગ્રૈવેયક વિમાનોમાં ત્યાં રહેલાં હોય છે.
શંખ અને હિમ જેવા શ્વેત વસ્ત્રવાળા એવા ૧૦૦૦ ઊંચા પ્રાસાદો તે શોભિત છે, તેમ કહેલ છે.
65
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૬૯ થી ૨૭૨ :– [–/૨૬૯ થી ૨૭૨]
પાંચ અનુત્તર વિમાનોમાં ૨૧૦૦ યોજન પૃથ્વીની જાડાઈ હોય છે, તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણિની વેદિકા, વૈડૂર્ય મણિની સ્તૂપિકા, રત્નમય માળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદો ત્યાં છે.
શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા ૧૧૦૦ ઊંચા પ્રાસાદ આ અનુત્તર વિમાને શોભે છે. સેંકડો મણિથી જડિત, ઘણાં પ્રકારના આસન, શય્યા અને સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા, અલંકાર ત્યાં હોય છે.
66
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૭૩ થી ૨૭૮ :– [–/૨૭૩ થી ૨૭૮]
સર્વાર્થ સિદ્ધ વિમાનના સૌથી ઊંચા સ્તૂપને અંતે બાર યોજન ઉપર ઈષત્ પ્રાગ્ભારા પૃથ્વી આવેલી છે.
તે પૃથ્વી નિર્મળ જળકળ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના ફીણ જેવી ઉજ્જવળ વર્ણવાળી છે.
તથા ઉલટા કરાયેલા છત્રના આકારે સ્થિત છે. તે ૪૫-લાખ યોજન લાંબી-પહોળી છે.
– તેના કરતાં ત્રણ ગણાંથી અધિક તેની પરિધિ છે. જેનું માપ - ૧,૪૨,૩૦,૨૪૯ યોજન છે.
– તે પૃથ્વી મધ્યભાગે આઠ યોજન જાડી છે. – ઘટતાં ઘટતાં માખીની આંખ જેવી પાતળી થઈ જાય છે.
– તે શંખ, શ્વેત રત્ન, અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી તથા ઉલટા છત્રના આકારવાળી છે.
67
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૭૯, ૨૮૦ :– [–/૨૭૯, ૨૮૦]
સિદ્ધશિલાની ઉપર એક યોજન પછી લોકનો અંત આવે.
તે એક યોજનના ઉપરના ૧૬-માં ભાગમાં સિદ્ધોનું સ્થાન અવસ્થિત છે. [તેમ તું જાણ.]
ત્યારે તે સિદ્ધ ભગવંતો નિશ્ચયથી વેદનારહિત, મમતારહિત, આસક્તિ રહિત, શરીર રહિત એવા ઘનીભૂત આત્મપ્રદેશોથી નિર્મિત આકારવાળા [જો કે નિરાકાર જ હોય] હોય છે.
68
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૮૧ થી ૨૯૧ :– [–/૨૮૧ થી ૨૯૧]
(૧) સિદ્ધો ક્યાં અટકે છે? (૨) સિદ્ધો ક્યાં પ્રતિષ્ઠિત થાય છે?
(૩) તેઓ પોતાના શરીરનો ક્યાં ત્યાગ કરે છે? (૪) તેઓ ક્યાં જઈને સિદ્ધ થાય છે?
– શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય, તે સંસ્થાને જ આત્મપ્રદેશો ઘનીભૂત થઈ તે સિદ્ધાવસ્થા પામે છે. – અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હ્રસ્વ પ્રમાણ હોય છે, તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધાવગાહના થાય છે. – સિદ્ધોની ઉત્કૃષ્ટાવગાહના સાધિક ૩૩૩ ધનુષ્ જાણ.
– સિદ્ધોની મધ્યમાવગાહના ચાર હાથ પૂર્ણ ઉપર બે તૃતીયાંશ હાથ પ્રમાણ કહી છે.
[નોંધ – અહીં રત્ની શબ્દ છે, રત્ની એટલે એક હાથ પ્રમાણ, જેને કોશમાં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.]
– જઘન્યાવગાહનાથી સિદ્ધો એક હાથ પ્રમાણ અને આઠ અંગુલથી કંઈક અધિક કહેવાયેલા છે.
– અંતિમ ભવના શરીરના ૩ ભાગમાંથી એક ભાગ ન્યૂન અર્થાત્ બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધાવગાહના કહી.
– જરા મરણથી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. – તે બધાં લોકાંતને સ્પર્શતા એકબીજાને અવગાહે છે.
– અશરીર સઘન આત્મપ્રદેશવાળા, અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત્ત એ સિદ્ધોનું લક્ષણ છે.
– સિદ્ધ આત્મા પોતાના આત્મપ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. [એ સ્પર્શના દ્વાર જાણ.]
દેશ-પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાતગણાં છે.
69
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૯૨, ૨૯૩ :– [–/૨૯૨, ૨૯૩]
કેવળજ્ઞાનમાં ઉપયોગવાળા સિદ્ધો બધાં દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પર્યાયોને જાણે છે.
અનંત કેવળ દૃષ્ટિથી બધું જ જુએ છે.
જ્ઞાન દર્શન બંને ઉપયોગમાં બધાં કેવળીને એક સમયમાં એક ઉપયોગ હોય, બંને ઉપયોગ સાથે ન હોય.
70
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૯૪ થી ૩૦૨ :– [–/૨૯૪ થી ૩૦૨]
દેવગણના સમૂહના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંતગણાં કરવામાં આવે. ત્યારપછી – તે સંખ્યાને અનંતવર્ગોથી વર્ગિત કરાય. – તો પણ મુક્તિના સુખની તુલના ન થઈ શકે.
મુક્તિ પ્રાપ્ત સિદ્ધોને જે અવ્યાબાધ સુખ છે, તે સુખ મનુષ્યને કે સમસ્ત દેવતાને પણ નથી.
સિદ્ધના સમસ્ત સુખરાશિને જો –
(૧) સમસ્તકાળથી ગુણિત કરવામાં આવે.
(૨) ત્યારપછી તેનું અનંત વર્ગમૂળ કરવામાં આવે.
(૩) તો પણ પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશમાં ન સમાય.
– જેવી રીતે કોઈ મ્લેચ્છ અનેક પ્રકારના નગરના ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં અપ્રાપ્ત ઉપમાઓને કારણે તે ગુણો કોઈને કહી શકતો નથી. એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી, તો પણ કેટલાંક વિશેષણો દ્વારા તેની સમાનતા કહું.
કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને ભૂખ અને તરસથી મુક્ત થઈ જાય અને જાણે કે અમૃતથી તૃપ્ત થયો છે.એ રીતે સમસ્ત કાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને અવ્યાબાધ નિર્વાણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે.
તેઓ સિદ્ધ છે, બુદ્ધ છે, પારગત છે, પરંપરાગત છે. કર્મરૂપી કવચથી ઉન્મુક્ત, અજર-અમર-અસંગ છે.
જેમણે બધાં દુઃખોને દૂર કરી દીધાં છે. જાતિ-જન્મ-જરા-મરણના બંધનથી મુક્ત, શાશ્વત, અવ્યાબાધ સુખનો તે સિદ્ધો નિરંતર અનુભવ કરતાં રહે છે.
71
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૩૦૩ થી ૩૦૫ :– [–/૩૦૩ થી ૩૦૫]
સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે, તેનું અનંતગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિના અનંતાનંત ભાગ બરાબર પણ ન થાય.
સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિયુક્ત ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરે છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિપાલિત પોતપોતાની બુદ્ધિથી જિન-મહિમા વર્ણવે છે.
72
‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૩૦૬ થી ૩૦૮ :– [–/૩૦૬ થી ૩૦૮]
વીર અને ઈન્દ્રોની સ્તુતિના કર્તા, જેવો પોતે બધાં ઈન્દ્રો અને જિનેન્દ્રોની સ્તુતિ અને કીર્તન કર્યુ છે, તે સૂરો, અસૂરો, ગુરુ અને સિદ્ધો મને સિદ્ધિ આપો. આ રીતે ભવનપત્યાદિ ૪ દેવનિકાય દેવોની સ્તુતિ સમગ્રરૂપે સમાપ્ત થઈ.